*મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્ર. – 272, નાના વરાછામાં અભૂતપૂર્વ વાલી સંમેલન યોજાયું*

😊 कृपया इस न्यूज को शेयर करें😊
|
*મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્ર. – 272, નાના વરાછામાં અભૂતપૂર્વ વાલી સંમેલન યોજાયું*
રાજેશ ધામેલીયા
સુરત 15મી જુલાઈ
*બાળકોનાં ઘડતરમાં બાળવાર્તા ખૂબ મહત્ત્વ ધરાવે છે. સારાં પુસ્તકો આપણું જીવન બદલી શકે છે, માટે ઘરમાં પુસ્તકો વસાવવાં જોઈએ.*
બાળક, પાલક, શિક્ષક અને સંચાલકનો સમન્વય સધાય તો શિક્ષણમાં અસરકારક પરિણામ પ્રાપ્ત થઈ શકે. વિદ્યાર્થીઓના સર્વાંગી ઘડતરમાં વાલી સંમેલનનું ખૂબ મહત્ત્વ છે, આ બાબતને કેંદ્રમાં રાખીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્ર. – 272, નાના વરાછામાં તા. 13-07-2024 ને શનિવારે બપોરે 2:00 થી 3:10 દરમિયાન બાલવાટિકા અને ધોરણ : 1, 2ના વાલીઓ અને રાત્રે 8:30થી 10:30 દરમિયાન ધોરણ : 3 થી 5ના વાલીઓના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના આચાર્ય શ્રી મિતેશભાઈ પ્રજાપતિ અને શિક્ષકો શ્રી રાજેશકુમાર ધામેલિયા તેમજ શ્રી કિરીટભાઈ ગુજરાતીએ માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે આચાર્ય શ્રી મિતેશભાઈ પ્રજાપતિએ શાળાની વિવિધ સિદ્ધિઓ, મધ્યાહ્ન ભોજન વ્યવસ્થા તેમજ વાલીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો અંગે સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો પોતાના જન્મદિવસે ‘શહીદાંજલિ’ માટે યોગદાન આપે છે; તે બાબતે સૌને અભિનંદન પાઠવ્યા હતા. શ્રી કિરીટભાઈ ગુજરાતીએ પોતાની આગવી શૈલીમાં રમૂજ સાથે વિદ્યાર્થીઓના ઘડતર બાબતે વાલીઓનું ધ્યાન દોર્યું હતું. વિદ્યાર્થીઓના ગુણ ઓળખીને તેને બિરદાવવા ટકોર કરી હતી. શ્રી રાજેશકુમાર ધામેલિયાએ જણાવ્યું હતું કે, જો માતાપિતા દરરોજ પોતાનાં બાળકોને દસ મિનિટ ક્વૉલિટી સમય આપે તો ધાર્યું પરિણામ મેળવી શકે. શાળામાં શું-શું ભણાવવામાં આવ્યું, કઈ-કઈ બાબતો ગમી વગેરે બાળકો પાસેથી સાંભળવામાં આવે તો; જરૂર જણાય ત્યાં માર્ગદર્શન આપવામાં આવે તો અસરકારક પરિણામ પ્રાપ્ત થઈ શકે. બાળકોનાં ઘડતરમાં બાળવાર્તા ખૂબ મહત્ત્વ ધરાવે છે. સારાં પુસ્તકો આપણું જીવન બદલી શકે છે, માટે ઘરમાં પુસ્તકો વસાવવાં જોઈએ.
મુખ્ય સંમેલન પછી તમામ વાલીઓએ વ્યક્તિગત રીતે વર્ગશિક્ષકની મુલાકાત લીધી અને વિદ્યાર્થીના અભ્યાસ બાબતે જરૂરી ચર્ચા કરી હતી. આનંદની વાત એ હતી કે, 96% જેટલા વાલીઓ આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. આખો પ્રાર્થનાખંડ ખીચોખીચ ભરાઈ ગયો હતો. વાલીઓએ મેદાનમાં બેસીને, ખૂબ સહકાર આપીને વાલી સંમેલનનને સફળ બનાવ્યું હતું. તમામ શિક્ષકોએ રાત્રે પણ શાળામાં ઉપસ્થિત રહ્યા હતા, જે એમની કર્તવ્યનિષ્ઠા દર્શાવે છે.

Whatsapp बटन दबा कर इस न्यूज को शेयर जरूर करें |
Advertising Space
